ગુજરાતના ભાતીગળ વસ્ત્રો

ગુજરાતના ભાતીગળ વસ્ત્રો

 • ગુજરાતનું સુતરાઉ, ઊની અને રેશમી વસ્ત્રોવણાટ હજારો વર્ષ જૂનો છે. મહાભારતમાં યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે ગુજરાતનું ભૃગુ કચ્છમાંથી કપાસના વસ્ત્રો ભેટ તરીકે આપ્યા હોવાની દંતકથા છે.
 • ‘પટદુકૂલ’ એટલે આજનું પટોળું પાટણનું ગૌરવ ગણાય છે. મૂળ સંસ્કૃત શબ્દ પટોલિકામાંથી ઉતરી આવેલો છે. જેનો શાબ્દિક અર્થ ચિત્રકારની રંગ પેટી એવો થાય છે. પટલસ એ આપણું જાણીતું કાપડ છે. જેના ઉપર ફૂલોની ભાતો જોવા મળે છે.
 • ‘ઇલાય’ 17મી સદીમાં ગુજરાતના લાલ, સફેદ અને ભૂરા પટાવાળા સુતરાઉ કે રેશમી વસ્ત્રોનું નામ છે. તેના પર ફૂલોની ભાત પાડવામાં આવતી અને તેના પર સોના અથવા ચાંદીના તારથી સુશોભિત કરવામાં આવતું. અમદાવાદમાં આજે જે ‘ઐલચા’ તરીકે ઓળખવામાં આવે છે.
 • ‘કૈશેય’ એ કોશેટામાંથી તૈયાર થતું રેશમી વસ્ત્ર છે. ‘ક્ષૌમ’ એ ક્ષુમાના રેસામાંથી બનતું કાપડ છે જે વર્તમાન લીલનના પ્રકારને મળતું આવે છે.
 • સોનાના તારનો ઉપયોગ કરીને પણ જૂના કાલે વસ્ત્રો બનતા. આવા વસ્ત્રો કસબી, જરકશી, જરબાફ વગેરેના નામે જાણીતા હતા.
 • સોનાના તારથી ભરત ભરેલા વસ્ત્રો જરદોશી કહેવાતા. સોનાના કે રૂપાના તારનો ઉપયોગ થતો હોય તેવા વસ્ત્રોને તાસ્તા તરીકે ઓળખવામાં આવતું. ‘લોબડી’ એ ભરવાડણોનું ઊની વસ્ત્રો હતું.
 • કબૂતરના રંગ જેવું વસ્ત્ર ‘પારેવઉ’ ભૂરા રંગવાળું ‘નીલનેત્ર’, વાદળાના રંગ જેવું ‘મેઘાવલી’, પોપટી લીલા રંગવાળું ‘પોપટીયું’, મગ જેવા રંગનું ‘મગીઉ’, આકાશિયા રંગનું વસ્ત્ર ‘મેઘડંબર’ નામે જાણીતું હતું.
 • આ મેઘાડંબર ધોળકામાં બનતું જણાતું, રકતાંબર એ લાલ રંગનું વસ્ત્ર હતું. જયારે રાજીયું કાળા રંગનું શોકદર્શક વસ્ત્ર હોવાનું ડૉ.ભોગીલાલ સાંડેસરા નોંધે છે. લખારસ એ લાખના રસનું રંગેલું વસ્ત્ર હતું.
 • પાટણના પટોળા, જામનગરના નાગરિયા, બાંધણી, ભરૂચી બાસ્તા, ભરૂચીયા, ધોળકાનું મેઘાડંબર, રકતાંબર, માંગરોળના મગીયા, વિજાપુરના પુરિયા, અમદાવાદની અતલસ, ઐલચા, સુરતી કિનખાબ દેશ-પરદેશમાં ગુજરાતના કારીગરોની આગવી ઓળખ છે.

Ø  ગુજરાતની પાઘડીઓની ઓળખ

 • પાઘડી એ ગુજરાતના પુરુષોની વેશભૂષાની આગવી ઓળખ ગણાય છે. ગુજરાતના વિવિધ પંથકોમાં અલગ અલગ ઘાટની પાઘડીઓ પ્રચલિત છે.
 • મોરબીની ઇંઢોણી જેવી ચક્કર ઘાટની, ગોંડલની ચાંચવાળી, જામનગરની જામાશાહી. બારાડીની પાટલીયાળી, બરડાની ખૂંપાવાળી, ભાલ, ઝાલાવાડ અને ઓખાની આંટીયાળી, સોરઠની સાદી પણ ગીરની કુંડાળા ઘાટની, ગોહિલવાડની લંબગોળ, પરજીયા ચારણની જાડા ઘા ઝીલનારી, રબારી અને મોટાભાઈ ભરવાડની ગોળ અને આંટીયાળી, નાનાભાઈ ભરવાડની ગોળ અને આંટીયાળી, જૂનાગઢ વિસ્તારના બાબીઓની બત્તી, સિપાઈઓનો સાફો, મેરની પટાદાર અને કપાળે છાજલી રચતી નોખનીરાળા ઘાટની પાઘડીઓ લોકવરણની ઓળખ સહજમાં આપી દે છે.
 • પાઘડીઓના રંગોની રૂડપ તો કોઈ અનેરા પ્રકારની જ છે. લગ્ન પ્રસંગે વરરાજા ગુલખારની પાઘડી બાંધે છે. ભરવાડો માથે રાતા છેડાવાળા ભોજપરાં બાંધે છે. કોળી લોકો ચણોઠી જેવી લાલ કે ધોળા રંગની પાઘડી પહેરે છે. ઝાલાવાડમાં કાળી, ટપકીવાળી પાઘડી વધુ પ્રચલિત છે. ભાલ્પ્રદેશમાં રંગબેરંગી બાંધણીઓની પાઘડી વધુ જાણીતી છે. ભરવાડો પાઘડી ઉપર ભરેલા પટ્ટા બાંધે છે. જુવાનીયાઓ રાતી, લીલી કે કથ્થાઈ રંગની પાઘડીઓ બાંધે છે.

Ø  પુરુષોના ઘરેણાં

 • આરોગ્યને માટે ઉત્તમ ગણાયેલા ઘરેણાં સામાજિક મોભો અને પ્રતિષ્ઠાનું માધ્યમ જ નહિ, પણ સૌભાગ્યવતી નારીનો શણગાર બની રહ્યો છે.
 • ગુજરાતમાં વસતી વિવિધ જાતિઓનાં ઘરેણાનાં નામો અને આકાર-પ્રકારોમાં અનેરું વૈવિધ્ય જોવા મળે છે. ગુજરાતમાં પુરુષો સામાન્ય રીતે કાનમાં કર્ણફૂલ, કોકરવા, ગળામાં ટૂંપીયો ફૂલહાર, ચોરસી, ગળસવો, દોરો, કાંડે કડું અને પોચી, આંગળીએ વેઢ, પંખો ને વીંટી અને પગમાં સોના-રૂપની બેડી પહેરે છે.

Ø  મેર સ્ત્રીઓના ઘરેણાં

 • પોરબંદર પંથકની મેર નારીઓ ડોકમાં સોનાના જૂમણા, દવાસર, મોહનમાળા, પાવલારખી, કાનમાં વેડલા, શીશોરિયા, કોળિયું, પાંદડિયું, હાથમાં સરલીયા, ચૂડ, પગમાં કાંબીકડલા ને અણવટ વિછીયા પહેરે છે. જ્યારે મેર કન્યાઓ કાનમાં જૂમક, મોતીની વાળીયુ, ડોકમાં હાંસડી ને હુલર પહેરે છે.
 • કચ્છી જતનારીઓ નાકમાં નથ, વિટો, સોનાની ભૂલ્લી, ગળામાં ચાંદીની હંસી, કાનમાં નસવી, કુરલો, અલ્લોલક, વાલા, હાથમાં મંગલી પગમાં કળી અને પાંતી પહેરે છે.

Ø  ઉત્તર ગુજરાતની આદિવાસી સ્ત્રીઓના ઘરેણાં

 • બનાસકાંઠાની આદિવાસી સ્ત્રીઓ પગમાં કડલાં, અંગૂઠી, પગપાન, કેડે પાતળી સાંકળી ઝૂલવાળો કંદોરો, હાથમાં મૂઠીયા પાટલા, ગજરા, કાતરીયા, કાંકળી, હાર, કંઠી, મૂઠ, વાલ્વી, હેડકી, હાંસડી વગેરે પહેરે છે.  જ્યારે કાનમાં વેડલા, ડોરણા, વાળી ઝુમ્મર, એરિંગપત્તી સાથે દામણી અને ટીકો પહેરે છે.

Ø  કચ્છી કોળીનાં ઘરેણાં

 • કચ્છી કોળીઓ પગમાં રૂપાનું કડું, ચાંદીની સાંકળી અને ઘૂઘરીયાવાળા બટનનો સેટ, કાનમાં કાચની ભૂંગળીઓ પહેરે છે. જયારે કાળણો ગળામાં હાંસડી, કાનમાં વેડલા, પગમાં કાંબી-કડલાં, હાથમાં વીંટી, કાનમાં મોટીયું, પુખનળી અને ચાંદીનો  ભારે વેડલો પહેરે છે. સૌરાષ્ટ્રના તળપદા, ઘેડીયા અને ચુવાળીયા કોળીઓની સ્ત્રીઓ કાંબી, કડલાં, બલોયા, આંગળાના ચાપ ને વેડલા, પગની આંગળિયુંમાં મોર, ઠાળીયાં, ગળામાં રામનોમી, ટૂંપિયો અને હાર પહેરે છે. જ્યારે ઝાલાવાડી કોળી સ્ત્રીઓ ગળામાં કોહરી, પારો ને નાકમાં સોનાનું ફૂલ પહેરે છે.

Ø  રબારણોના ઘરેણાં

 • ઉત્તર ગુજરાતની રબારણો કાનમાં લોળીયા, પગમાં તરેડીયા, ઝાબા, માદળીયા, કણકી, ઘૂલર, ઝાંઝર, પગપાન, ડોકમાં ટૂંપીયુ, પૈહાર, ઝૂમણું, દોરો, પગલાં અને હાથમાં ચાંદીનો મોટો ચૂડો પહેરે છે. કચ્છી રબારણો જોતર, ઠોળીયાં, વેડલા, આંટીવીંટી, અંગૂઠીયા, કરચરડા, કાતરિયા અને રૂપાની ચૂડી પહેરે છે. જ્યારે ભાલપ્રદેશની ભરવાડણો પગમાં કાંબીકડલાં, રૂપાના કરડા, કણસુ, અંગૂઠી, ખોલેરિયું, ફલીયુ, કાનમાં વડેલા, પોખવાની, કોકરવા, ડાળ્યું, પાંદડીયા, અકોટા, નાકે નથડી ને હાથે હાથી દાંતના બલોયા પહેરે છે.

Ø  આદિવાસી નારીઓના ઘરેણાં

 • પંચમહાલની આદિવાસી સ્ત્રીઓ ગળામાં કીડીયાની છીડ, તોરણીયુ, હાંસડી, સાંકળું, કાનમાં રૂપાના લોળીયા, વેડલા મેદલી, હાથ પર કાથીની પિટડીયો, ઝેલો, ગોળીયા, કરવાંદી ઉપરાંત વિંછીયા, પાવળીયા, કડલાં, લંગર, તોડા, ગુજરિયા, કાંકણા, ચૂડિયા, વીંટીયા વગેરે પહેરે છે.
 • ચોધરા અને ગામીત આદિવાસી પુરુષો કાનની લારીમાં રૂપાની ચૂડીયો પહેરે છે. ગામીત સ્ત્રીઓ ધોળા પથ્થરની સેરો બનાવીને ગળામાં પહેરે છે. કુંકણા કોમની સ્ત્રીઓ પાવલી કે અડધાના સિક્કાની ગાંઠી બનાવીને ગળામાં પહેરે છે. કાનમાં બોરીયુડુલ, ખૂટલા, નાકમાં ફૂલકી અને પગમાં ઝાંઝર પહેરે છે.
 • આમ પ્રાચીનકાળથી ચાલી આવેલી ઘરેણાં પહેરવાની પ્રથા ઘરેણાંના ઘાટઘૂટમાં થોડા ફેરફારો સાથે લોકજીવનમાં આજેય એવી ને એવી જળવાઈ રહી છે.

Ø  બાળકોનો પહેરવેશ

 • લોકજીવનમાં બાળકો માટેના જાતજાતના અને ભાતભાતના સાદા અને ભરત ભરેલા પોશાકો જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં ભરવાડ, રાજપૂત, રબારી, આયર, ગરાસીયા અને કાંટીયા  વરણમાં નાના છોકરાને દાડમ ડોડવડી અને કેવડા ભાતનું ભરત ભરેલું ફૂલગુલાબી અતલયનું કેડિયું કે ભરત ભરેલા કબજા, લીલી અતલસની ભરત ભરેલી રૂડી રૂપાળી ચોરણી, ગોખરૂને સંતારા ટાંકી ભરતભરેલા ભાતીગળ ટોપી કે રાતી મજલીનું માથા બાંધનું બાંધે છે.
 • જામનગર પંથકમાં વસતાં સતવાર બાળકો ભરત ભરેલા અને ભરત વગરની આંગડી ચોરણીને માથે કાનટોપી જેવો નતીયો પહેરે છે. જૂના કાળે છોકરાઓને આંગલા-ટોપલા પહેરાવવાની એક પરંપરા લોકજીવનમાં પ્રચલિત હતી. દીકરાનો જન્મ થાય એટલે ફોઈબા આંગલા-ટોપલા લઈ એને બોલાવવા અને હરખ કરવાં આવતાં.
 • દીકરાની જેમ સૌરાષ્ટ્રની નાની નાની દીકરીયુને પણ ભરેલાને સાદા પહેરવેશ જોવા મળે છે. ચાર-પાંચ વરસથી માંડીને બાર-તેર વરસની દીકરીયું ધોળી, લાલ, લીલી, પીળી, ધરાબંધની ભાત ભરેલી ઘાઘરિયું પોલકાને માથે રાતા-ગુઢા કે લીલા રંગનો ભરત ભરેલો મોસલો પહેરે છે.
 • ભરવાડ, રબારી, પંચોલીની કન્યાઓ ભરેલી ઘાઘરીયું પહેરતી નથી.
 • ગુજરાતના લોકજીવનમાં પહેરવેશ અને તેના રંગોનું જેટલું વૈવિધ્ય જોવા મળે છે. તેટલું ભાગ્યે જ બીજા કોઈ પ્રદેશના લોકોમાં જોવા મળે છે. ગામડામાં રહેતા લોકોના પહેરવેશ પર દ્રષ્ટિપાત કરતાં તેમાં લોકજીવનની  પ્રકૃતિ પરાયણતાંના સાચા દર્શન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *