સોલંકી યુગ

સોલંકી યુગ  

  મૂળરાજ પ્રથમ (ઈ.સ 942-997)

 • ગુજરાતમાં સોલંકીવંશનો સ્થાપક મૂળરાજ હતો. તેના પિતાનું નામ ‘રાજિ’ તથા માતાનું નામ લીલાદેવી હતું.
 • તેણે પોતાના મામા ચાવડા વંશના રાજા સામંતસિંહને ઈ.સ. 942 માં મારી નાખીને ચાવડાઓની રાજગાદી પ્રાપ્ત કરી હતી.
 • રાજ્યારોહણ સમયે મૂળરાજનું રાજ્ય ‘સારસ્વત મંડલ’(હાલના મહેસાણા અને બનાસકાંઠા જિલ્લો) પૂરતું માર્યાદિત હતું.
 • મૂળરાજના મૃત્યુ સમયે તેનું રાજ્ય કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને ખેટક (ખેડા) સુધીના મધ્યગુજરાત પર્યત વિસ્તર્યું હતું.
 • મોટા વિજયો અને સુદઢ વહીવટથી તેણે સોલંકી રાજ્યનો મજબૂત પાયો નાખ્યો.
 • મૂળરાજ સોલંકીએ વામનસ્થલી (વંથલી) ના રાજા ગ્રહરિપુ, કચ્છના રાજા તક્ષ તથા લાટ પ્રદેશના રાજા બારપ્પને હરાવ્યા હતા. જેનો ઉલ્લેખ હેમચંદ્રાચાર્યના ‘દ્રયાશ્રય’ માં જોવા મળે છે.
 • મૂળરાજે ઉત્તર ભારતમાંથી બ્રાહ્મણો તેડાવી પોતાના રાજ્યમાં વસાવ્યા હતા. તેમણે સિદ્ધપુર, સિહોર જેવાં ગામો દાનમાં આપ્યા હોવાનું માનવામાં આવે છે.
 • આ બ્રાહ્મણો ‘ઔદીચ્ય’ બ્રાહ્મણો કહેવાયા.
 • પાટણના પ્રખ્યાત રુદ્રમહાલયનો મૂળ ભાગ મૂળરાજ સોલંકીએ બંધાવ્યો હતો.
 • કહેવાય છે કે વૃદ્ધાવસ્થામાં શ્રીસ્થલી (સિદ્ધપુર) જઈ તેણે સરસ્વતીના કાંઠે જાતે અગ્નિસ્નાન કરીને દેહત્યાગ કર્યો

ચામુંડરાજ (ઈ.સ. 997- 1010)

 • તે મૂળરાજનો પુત્ર હતો. તેણે ધારાનગરીના પરમાર રાજા સિંધુરાજને હરાવ્યો હતો. તે વિલાસી હોવાથી પદભ્રષ્ટ થયો અને તેના જયેષ્ઠ પુત્ર વલ્લભરાજ ગાદીએ આવ્યો પણ તેનું અકાળે અવસાન થયું. ઈ.સ. 100૦માં પ્રખ્યાત મુસાફર અલબરૂની ચામુંડરાજના સમયમાં ગુજરાતની મુલાકાતે આવ્યો હતો.

 દુર્લભરાજ (ઈ.સ. 1010- 1022)

 • તે ચામુંડરાજનો પુત્ર હતો. તેણે લાટપ્રદેશના રાજા કિર્તીરાજને હરાવ્યો. તેમણે અણહિલપત્તનમાં ગજશાળા, દાનશાળા, દુર્લભ-સરોવર બંધાવ્યા હતા.

ભીમદેવ પ્રથમ ( ઈ.સ. 1022 – 1064)

 • ભીમદેવ પ્રથમના સમયમાં 6 જાન્યુઆરી, 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ લૂંટ્યું. મહમૂદ ગઝનવી જ્યારે સોમનાથ મંદિર લૂંટીને પાછો ફરતો હતો ત્યારે ભીમદેવે કંથકોટના કિલ્લામાં રહીને તેનો પ્રતિકાર કરવા પ્રયત્ન કર્યો હતો. મહમૂદ ગઝનવિના પાછા ફર્યા બાદ ભીમદેવે સોમનાથનો પુનરુદ્વાર કર્યો તથા મોઢેરાનું સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું.
 • ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિએ પાટણની પ્રખ્યાત ‘રાણકી વાવ’ બંધાવી હતી.
 • 1980ના અંતિમ દાયકામાં ‘રાણકી વાવ’ ની શોધ થઈ આ વાવ સાત માળની છે જે 2014માં વિશ્વ વારસામાં સ્થાન પામેલ છે, ત્યાં ફ્રી વાઈ-ફાઈ શરૂ કરવામાં આવ્યું છે.
 • ભીમદેવ પહેલાના દંડનાયક વિમલ મંત્રીએ આબુ નજીક દેલવાડાનું જૈન ,મંદિર (વિમલ-વસહી) અને અંબાજી નજીક કુંભારિયાના જૈન મંદિરો બંધાવ્યા હતા.
 • ભીમદેવ પહેલો ‘બાણાવળી’ ના નામે પ્રખ્યાત છે. તેના સમયમાં સોલંકી રાજ્યની મહત્તા વધી હતી.

કર્ણદેવ સોલંકી (ઈ.સ. 1064 – 1094)

 • ભીમદેવ પહેલાના મોટા પુત્ર મૂળરાજનું અકાળે અવસાન થતાં નાનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો.
 • તેને અમદાવાદ નજીક આશાપલ્લીના ભીલ સરદાર આશાને હરાવીને કર્ણાવતી નામે નગર વસાવ્યું હતું.
 • કર્ણદેવના લગ્ન કર્ણાટકના ચંદ્રપુરીની રાજકુમારી મયણલ્લાદેવી સાથે થયા જે રાજા જયકેશીની પુત્રી હતી. મયણલ્લા દેવીએ કર્ણદેવનાં અવસાન બાદ તેના પુત્ર જયસિંહની નાની ઉંમર હોવાને કારણે જયસિંહ વતી રાજ કર્યું. ગુજરાતની પ્રજામાં તે ‘મીનળદેવી’ નામે જાણીતા બન્યા.

 સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. 1094 – 1142)

 • તેના સમયમાં ગુજરાત સુવર્ણકાળમાં ગણાયું. સિદ્ધપુરની પાસે આવેલા બાબરિયાવાડના કાપાલિક સંપ્રદાયના ‘બર્બરક’(બાબરો ભૂત) નામના આનાર્યને હરાવીને ‘બર્બરક જિશ્નું’ કહેવાયો.
 • જૂનાગઢના રા’ખેંગારને હરાવી ‘સિદ્ધચક્રવતી’ તથા માળવાના યશોવર્માંને હરાવી ‘અવંતીનાથ’ બિરુદ ધારણ કર્યું.
 • તેને પોતાના તમામ યુદ્ધોમાં વિજય મેળવેલ હોવાથી ‘ત્રિભુવનગંડ’ તરીકે ઓળખાયો.
 • સિદ્ધરાજે દુર્લભ સરોવરને સ્થાને 1008 શિવલિંગ ધરાવતું સહસ્ત્રલિંગ તળાવ તૈયાર કરાવ્યું.
 • પાટણના પ્રખ્યાત રુદ્રમહાલયનો મૂળ ભાગ મૂળરાજ સોલંકીએ બંધાવ્યો હતો. આ મહાલયનું કાર્ય સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાવ્યું હતું.
 • સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય મુની દ્વારા બનાવેલ વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ની શોભાયાત્રા કાઢી. આ શોભાયાત્રામાં ગ્રંથ ‘શ્રીકર’ હાથી ઉપર મૂકી રાજા સ્વંય પગપાળા જોડાયા હતા.
 • સિદ્ધરાજના શાસનકાળમાં રાજમાતા મીનળદેવીએ યાત્રાળુવેરો માફ કરાવ્યો તથા ધોળકાનું મલાવ તળાવ નિર્માણ કરાવ્યું.
 • મલાવ તળાવનાં બાંધકામમાં એક વૃદ્ધાની લાગણીને માન આપી મલાવ તળાવને સંપૂર્ણ ગોળ ન રાખતા એક તરફ ખાંચો રહેવા દીધો. તેના લીધે ગુજરાતી ભાષામાં ‘ન્યાય જોવો હોય તો ધોળકાનું મલાવ તળાવ જુઓ’ કહેવત પડી.
 • વિદ્યાકલાના આશ્રયદાતા આ રાજાના સમયમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને માળવાના ઘણા ભાગો પર સોલંકી સત્તા પ્રવર્તી રહી. આ રાજા અપુત્ર મરણ પામ્યો.

કુમારપાળ (ઈ.સ. 1143 – 1172)

 • કુમારપાળ ભીમદેવ પ્રથમના મોટા પુત્ર ક્ષેમરાજનો વંશજ હતો. કુમારપાળના પિતાનું નામ ત્રિભુવનપાળ પ્રથમ હતું. ક્ષેમરાજ ભીમદેવની રાણી બકુલાદેવીનો પુત્ર હતો. કુમારપાળ પાટણ આવીને પોતાના બનેવી કૃષ્ણદેવની સૈન્ય સહાયથી પાટણની ગાદી પર બેઠો. કુમારપાળ મંત્રી ઉદયન મહેતાની સહાયથી અને હેમચંદ્રાચાર્યના સહારાથી રાજા બન્યો હતો.
 • તે જૈનધર્મનો અનુયાયી હતો. તેને હેમચંદ્રાચાર્ય મુનિને પોતાના ગુરુ બનાવ્યા હતા.
 • જૈન તીર્થોની યાત્રા કરી તેણે અનેક જિનાલયો બંધાવ્યા હતા. જેમાં અજીતનાથની ‘એક પથ્થર’માંથી બનેલ મૂર્તિ તાર્ન્ગમાં સ્થાપિત કરી.
 • જેને પુત્ર ના હોય તેનું ધન જપ્ત કરવાની અપુત્રિકાધન નામે ઓળખાતી અયોગ્ય પ્રથાને કુમારપાળે રદ કરી હતી. આવું ધન ‘રુદતીવિત્ત’ કહેવાતું.
 • કુમારપાળે નેપાળથી પટોળું બનાવતા કલાકારોને પોતાના રાજ્યની રાજધાની અણહિલપુર પાટણમાં વસાવ્યા હતા. જેથી ગુજરાતમાં ‘પાટણના પટોળા’ પ્રખ્યાત થયા.
 • કુમારપાળને ‘ગુજરાતનો અશોક’ કહેવાય છે.

અજયપાળ (ઈ.સ. 1173 – 1176)

 • કુમારપાળ અપુત્ર હતો તેથી તેના પછી તેના ભાઈ મહિપાલનો પુત્ર અજયપાળ ગાદીએ બેઠો. આ રાજા પરમ માહેશ્વર હતો. તેણે વેદધર્મનો પ્રચાર કર્યો.

 મૂળરાજ બીજો (ઈ.સ. 1176 – 1178)

 • તેના સમયમાં ગુજરાત પર ચઢી આવેલા મહંમદ ઘોરીના સૈન્યને તેણે આબુ નજીક હાર આપી હતી (ઈ.સ. 1177), જે તેની મોટી સિદ્ધી હતી. આ રાજાનું અકાળે મૃત્યુ થયું હતું. મૂળરાજ બીજો નાની વયનો હોવાથી તેની માતા નાયકાદેવીએ શાસન સંભાળ્યું હતું.

ભીમદેવ બીજો (ઈ.સ. 1178 – 1242)

 • તેના સમયમાં સોલંકીઓની સત્તા નબળી પડી. તેના સમયમાં મહંમદ ઘોરીના સરદાર કુતુબુદ્દીન ઐબકે બે વાર ગુજરાત પર ચઢાઈ કરી (ઈ.સ. 1194 અને ઈ.સ. 1197) ને પાટણ લૂંટ્યું હતું.
 • ભીમદેવ બીજો ગુજરાતમાં સૌથી વધુ શાશન કરનાર રાજા હતો. પરંતુ તેના સમયમાં વાઘેલા સરદાર અર્ણોરાજનો પુત્ર અને ધોળકાનો માંડલિક લવણપ્રસાદ સર્વેસર્વાં બન્યો હતો. લવણપ્રસાદે ધોળકામાં રહી ગુજરાતના રાજ્ય વહીવટની જવાબદારી સંભાળી હતી. લવણપ્રસાદ પછી તેના પુત્ર વીરધવલે ગુજરાતના રાજકીય સંરક્ષણમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

ત્રિભુવનપાલ દ્વિતીય (ઈ.સ. 1242 – 1244)

 • ભીમદેવ બીજા પછી તેનો પુત્ર ત્રિભુવનપાળ દ્વિતીય ગાદીએ બેઠો. તેણે બે વર્ષ રાજ્ય સંભાળ્યું અને તે પછી વીરધવલના પુત્ર વિસલદેવે તેને હાંકી કાઢી તેનું રાજ્ય છીનવી લીધું તે સાથે મૂળરાજે સ્થાપેલા સોલંકી વંશનો અંત આવ્યો.

 

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *